રાજકોટ શહેરમાં મકરસંક્રાંતિમાં મધ્યમ પવન અને ખુલ્લા સ્વચ્છ આકાશ રહ્યા બાદ 16મીએ વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી. ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસને કારણે આબોહવા ખુશનુમા રહી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રેસકોર્સમાં સ્વાસ્થ્ય પ્રેમીઓને ઘણા દિવસો બાદ ઝાકળમાં કસરત કરવાનો લ્હાવો મળ્યો હતો. શહેરનું ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી રહ્યું હતું.
એક સપ્તાહ સુધી 14 ડિગ્રી સુધી તાપમાનના એંધાણ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી જઈ શકે છે. સવારે અને સાંજે ગુલાબી ઠંડીનો અનુભવ રહેશે જ્યારે બપોરના સમયે મીઠો તડકો પડશે. આગામી એક મહિના સુધી આ જ પ્રકારે તાપમાન રહેશે અને હાલ તો કોલ્ડવેવની કોઇ શક્યતા પણ નથી તેવું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.