ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘સલામત મુસાફરી’ની જાહેરાત કરાઇ છે પરંતુ કયારેય ‘સમયસર મુસાફરી’નો લાભ અને આનંદ મુસાફરોને અપાતો નથી. દીવ, સોમનાથ, વેરાવળ, કોડીનાર, પોરબંદર, ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગરથી અંબાજી, સુરત, વડોદરા, અમદાવાદ, ગોધરા, દાહોદ, ભીલોડા, નાથદ્વારા જતી 400થી વધુ લાંબા રૂટની એસ.ટી. બસ બે બ્રિજને કારણે દરરોજ એક કલાકથી લઇને અઢી કલાક મોડી પડતી હોવાથી દરરોજ એવરેજ 20 હજારથી વધુ મુસાફરો હેરાનગતિ ભોગવતા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. એસટી નિગમ દ્વારા ટાઇમટેબલમાં ફેરફાર કરાતો ન હોવાથી હજારો મુસાફરોને દરરોજ રાજકોટ એસ.ટી.બસ સ્ટેશન પર અઢી-અઢી કલાક સુધી હેરાન થવું પડતું હોવાની રાવ ઊઠી છે.
કેશોદ શહેર ખાતે ચાલી રહેલા બ્રિજના કામને કારણે સોમનાથ, વેરાવળ, દીવ, ઉના, કોડીનાર, પોરબંદર તરફથી આવતી તમામ લાંબા રૂટની એસ.ટી.બસ રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન ખાતે દરરોજ દોઢથી અઢી કલાક મોડી પહોંચે છે અને તેવી જ રીતે રાજકોટ શહેરના સાંઢિયા પુલ પરથી ભારે વાહનો ન ચલાવવા પોલીસ કમિશનરનું જાહેરનામું હોય તેથી જામનગર, દ્વારકા, ખંભાળિયા અને ઓખા તરફથી આવતી તમામ એસ.ટી. બસને ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર ફરી-ફરીને આવવું પડતું હોવાથી દરરોજ એવરેજ 1 કલાક કરતા વધુ સમય મોડી હોય છે.
જેના પરિણામે રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત, અંબાજી, મહેસાણા, ગોધરા, દાહોદ, પાલનપુર સહિતના સ્થળોએ જવા માગતા મુસાફરોએ રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પર કલાકો સુધી બેસી રહેવું પડે છે. ઇન્કવાયરી કાઉન્ટર પર પણ સ્ટાફની મર્યાદા અને મુસાફરોના ધસારાને કારણે ઘણી વખત મુસાફરોને યોગ્ય જવાબ ન મળતા હોવાની રાવ પણ ઊઠી રહી છે ત્યારે આ બન્ને રૂટ પરથી આવતી તમામ એસ.ટી.બસના ટાઇમટેબલ રિશેડ્યૂલ કરવા જોઇએ તેવી માગ ઉઠી છે.