ગુજરાતમાં નાગાલેન્ડના બોગસ હથિયાર લાઇસન્સ મેળવવાના મામલે ATSએ વધુ 16 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 15 હથિયાર સાથે 489 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે આ પ્રકરણમાં આરોપીઓનો આંકડો વધી શકે છે તેવું ATS પાસેથી જાણવા મળી રહ્યું છે. ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે. જેમણે 50 હજારથી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યા હતા.
16 આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ હથિયાર અને હથિયાર લાઇસન્સ અગાઉ પકડાયેલા સાત આરોપીઓ થકી મેળવ્યા હતા અને સાત આરોપીઓએ હરિયાણા ખાતે આવેલા નૂહમાં આવેલા સૌકતઅલી ફારૂકઅલી સોહિમઅલી તેમજ આસિફ નામના શખસોએ નાગાલેન્ડ અને મણિપુરના લાઇસન્સ તૈયાર કરાવી આપ્યા હતા. ત્યારે ગુજરાત ATSને શંકા છે કે નાગાલેન્ડ અને મણિપુર તંત્રના કોઈ કર્મચારી કે અધિકારી પણ આ બોગસ લાઇસન્સ કૌભાંડમાં સંડોવાયેલા હોઈ શકે છે.
આ બોગસ લાઇસન્સ કૌભાંડ મામલે ગુજરાત ATS એ 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં 23 આરોપીની ધરપકડ કરી છે. વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, ત્યારે આ બોગસ હથિયાર લાઇસન્સ કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ એક ચર્ચા પણ શરૂ થઈ છે કે, ગુજરાતના નામચીન લોકો અને સેલિબ્રિટીઓ પાસે પણ આવા પ્રકારના હથિયાર લાઇસન્સ હોઈ શકે છે.