પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મા દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મૂર્તિ વિસર્જન દરમિયાન મલ નદીમાં ધસમસતા પાણીમાં તણાઈ જતાં 8 લોકોનાં મોત થયાં હતાં. જલપાઈગુડીના એસપી દેવર્ષિ દત્તાએ જણાવ્યું હતું કે 20-25 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
મળતી માહિતી મુજબ, મોડી સાંજે લોકો મા દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા મલ નદીમાં ગયા હતા. આ દરમિયાન નદીમાં ધસમસતું પાણી આવ્યું હતું, મૂર્તિ વિસર્જન માટે પાણીમાં ગયેલા અનેક લોકો એમાં ફસાઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટી તંત્રએ જેસીબીની મદદથી લોકોને શોધવાની કામગીરી શરૂ કરી છે.
પીએમ મોદીએ જલપાઈગુડી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન દુર્ઘટનાથી દુઃખી છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના: PM.