હાઇકોર્ટમાં ગુજરાતી ભાષામાં કાનૂની કાર્યવાહી હાથ ધરવા માટેની માન્યતા મેળવવાની વિરુદ્ધમાં કેટલાક વકીલોએ સહીઓ કરી છે. જેના કારણે વકીલોના બે જૂથ સામ સામે આવી ગયા છે. બાર કાઉન્સિલના 3 પૂર્વ ચેરમેને હાઇકોર્ટમાં કાનૂની પ્રક્રિયા ગુજરાતી ભાષામાં હાથ ધરાય તેની મંજૂરી મેળવવા રાજ્યપાલને મળવા માટે બાર કાઉન્સિલના ચેરમેનને પત્ર લખ્યો છે. આગામી રવિવારે આ અંગે બાર કાઉન્સિલમાં બેઠક યોજાશે.
બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લા, ભરત ભગત અને દીપેન દવેએ જણાવ્યું કે, વિવિધ અદાલતોમાં અંદાજે 1 લાખ વકીલો પ્રેક્ટિસ કરે છે. જેમાંથી 5 હજાર નિયમિત વકીલો હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. જ્યારે અન્ય વકીલો કાયદાકીય જ્ઞાન ધરાવે છે પરંતુ અંગ્રેજીના અભાવે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી શકતા નથી. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં તેમની માતૃભાષામાં હાઇકોર્ટમાં કેસ ચલાવી શકાય છે.