દેશમાં ખાનગી રોકાણમાં હજુ પણ મંદ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સરકાર આર્થિક વૃદ્ધિદરને વેગ આપવા માટે આગામી બજેટમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મૂડીખર્ચ વધારી શકે છે. કોવિડ-19 બાદથી બજેટમાં મૂડીખર્ચ પર ભાર મૂકવામાં આવે છે. પરિણામે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ભારતે 7%નો આર્થિક વૃદ્ધિદર હાંસલ કરવામાં સફળતા મેળવી છે, જે નોંધપાત્ર છે.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સરકાર દ્વારા મૂડીખર્ચ માટે રૂ.10 લાખ કરોડની જોગવાઇ છે. વર્ષ 2020-21 દરમિયાન, સરકારે તેના માટે રૂ.4.39 લાખ કરોડની રકમ અલગ રાખી હતી, જેમાં આગામી વર્ષે જ 35%ના વધારા સાથે તે રકમ રૂ.5.54 લાખ કરોડ પર પહોંચી હતી. ત્યારબાદ વર્ષ 2022-23માં તેમાં 35%ની વૃદ્ધઇ સાથે તે રૂ.7.5 લાખ કરોડે પહોંચી હતી. જે અંતે 37.4%ના વધારા સાથે રૂ.10 લાખ કરોડના સ્તરે પહોંચી હતી.
ઇકરાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-નવેમ્બર દરમિયાન મૂડી ખર્ચ 31% વધી રૂ.5.9 લાખ કરોડ રહ્યો છે (નાણાકીય વર્ષ 2024ના બજેટ અંદાજના 58.5%) જે એપ્રિલ-નવેમ્બર 2023 દરમિયાન રૂ.4.5 લાખ કરોડ (નાણાકીય વર્ષ 2023ના બજેટ અંદાજના 60.7%) હતો.