બ્રિટનમાં દર 6 મિનિટે એક પ્રાઇવેટ જેટ ઉડાન ભરે છે. છેલ્લા એક વર્ષમાં ઉડાન ભરતાં પ્રાઇવેટ જેટની સંખ્યા 75% વધીને 90,256 થઇ ચૂકી છે. આ પ્રાઇવેટ જેટને કારણે અંદાજે 5 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે, જે બાકી દરેક યુરોપિયન દેશની તુલનામાં સૌથી વધુ છે. એન્વાયરમેન્ટલ કન્સલટન્સી સીઇ ડેલ્ફ્ટ દ્વારા કરાયેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે લંડન અને પેરિસની વચ્ચે સૌથી વધુ ઉડાન ભરાય છે. આ રૂટ પર 3,357 પ્રાઇવેટ જેટની અવરજવર છે.
પરિવહન અને પર્યાવરણના અભ્યાસ અનુસાર પ્રાઇવેટ જેટથી સામાન્ય ફ્લાઇટની તુલનામાં 14 ગણું વધુ પ્રદૂષણ ફેલાય છે. જ્યારે એક ટ્રેનની તુલનામાં આ આંકડો 50 ગણો વધુ છે. જ્યારે દુનિયાભરમાં વિમાન દ્વારા ફેલાતા પ્રદૂષણનું 50% માત્ર 1% વસતી દ્વારા ફેલાય છે. પ્રવાસ માટે પ્રાઇવેટ જેટના ઉપયોગને કારણે ફેલાતાં પ્રદૂષણ પર કામ કરતી સંસ્થા ગ્રીનપીસ અનુસાર અનેક પ્રવાસનું અંતર એટલું ઓછું હોય છે કે ટ્રેનથી પણ જઇ શકાય છે. અનેક સ્થળોએ તો માત્ર 30 મિનિટ સાઈકલ ચલાવીને પણ પહોંચી શકાતું હતું. યુરોપમાં અનેક પ્રાઇવેટ જેટ્સનો ઉપયોગ 500 કિ.મી કરતાં ઓછા અંતર માટે થયો હતો. પ્રાઇવેટ જેટથી અનેકગણું પ્રદૂષણ થાય છે. તેને બદલે ઓછા ખર્ચ અને પર્યાવરણને ઓછું નુકસાન થાય તે રીતે ટ્રેન અથવા સાઈકલ મારફતે પણ પ્રવાસ થઇ શકે છે.