સુરતમાં થોડા દિવસો પહેલા ભવાની વાડ વિસ્તારમાં આવેલા ભવાની મંદિર પાસેથી 88 લાખ રૂપિયા રોકડા આંગણીયા પેઢીમાંથી લઈને જઈ રહેલા યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હોવાની ચકચારીત ઘટના સામે આવી હતી. ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઇ લાલગેટ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની પોલીસ આરોપીને પકડવા કામે લાગી હતી. દરમિયાન 16 દિવસ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને આખરે આ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. સાઢુભાઈના દીકરા સાથે પોતાનું અપહરણ કરી લૂંટ ચલાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી છે અને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.
16 દિવસ બાદ આરોપીઓ ઝડપાયા
સુરતના લાલગેટ પોલીસ મથકના ભવાની વડ વિસ્તારમાં પટેલ ડી. પ્રવીણકુમાર એન્ડ કંપની નામથી આંગણીયા પેઢીની ઓફિસ બહારથી 88 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળેલા નવાજ સરફરાસ પત્તા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેને લઇ સુરતની લાલગેટ પોલીસ સિલાઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તૈનાત થઈ હતી. ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 16 દિવસ બાદ આ ઘટનાને અંજામ આપનાર બે આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં લૂંટનો ભોગ બનનાર ફરિયાદી નવાજ સરફરાજ ફટ્ટા જ આરોપી નીકળ્યો છે. પોલીસે નવાજ ફત્તા અને મોહમ્મદ નદીમ ભોજાણી નામના બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.