વુમન્સ વન-ડે વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ આજે યજમાન ભારત અને 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં બપોરે 3:00 વાગ્યેથી શરૂ થશે. ટૉસ બપોરે 2:30 વાગ્યે થશે.
બંને ટીમ ત્રીજી વખત વુમન્સ વન-ડે વર્લ્ડ કપના સેમિફાઈનલમાં સામ-સામે ટકરાશે. આ પહેલાં, ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1997માં દિલ્હીમાં સેમિફાઈનલ મુકાબલો જીત્યો હતો, પરંતુ 2017માં ડર્બીમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતે પોતાની સૌથી મોટી જીત નોંધાવી હતી. ત્યારે હરમનપ્રીતના અણનમ 171 રનના દમ પર ભારતે 36 રનથી જીત પોતાના નામે કરી હતી. હવે જોવાનું એ રહેશે કે શું ભારત એકવાર ફરી ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલ રમશે.
બન્ને ટીમ આ વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં પણ ટકરાઈ હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વિકેટે હરાવ્યું હતું.
હેડ ટુ હેડમાં ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ બંને ટીમ વચ્ચે વન-ડે મેચના રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ રહ્યું છે. બંને વચ્ચે રમાયેલી 60 મેચમાંથી 49માં ઓસ્ટ્રેલિયાએ જીત નોંધાવી છે, જ્યારે ભારતે 11 મેચમાં જીત હાંસલ કરી છે. વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાએ પોતાની બાદશાહત કાયમ રાખી છે, જ્યાં ઓસ્ટ્રેલિયાએ 2005ની ફાઈનલ સહિત 11 મેચ જીતી છે. ભારત ફક્ત ત્રણ વખત જ જીત પોતાના નામે કરી શક્યું છે. એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી.