સરકારે વિદેશી રોકાણને વધારવા માટે ગિફ્ટ IFSCના ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ભારતીય કંપનીઓના શેર્સના સીધા લિસ્ટિંગ માટે મંજૂરી આપી છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (નોન ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) રૂલ્સમાં સુધારો કર્યો છે અને ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ભારતમાં સમાવિષ્ટ કંપનીઓના ઇક્વિટી શેર્સના લિસ્ટિંગનો નિર્દેશ આપ્યો છે.
તદુપરાંત, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પણ કંપનીઝ રૂલ્સ, 2024 જારી કર્યા છે. ગત વર્ષે 28 જુલાઇના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગિફ્ટ-IFSC એક્સચેન્જ ખાતે પહેલા તબક્કામાં જ ભારતીય કંપનીઓના સીધા લિસ્ટિંગના સંદર્ભમાં જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ એક સાથે જાહેર ભારતીય કંપનીઓને તેમના શેર ઇશ્યૂ કરવા અને પરવાનગી મેળવેલા ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર શેર્સના લિસ્ટિંગ માટે સક્ષમ બનાવવા માટે એક વ્યાપક નિયમનકારી માળખું પૂરું પાડે છે.
સરકારની આ પહેલથી વધુ વિદેશી રોકાણ આકર્ષિત થશે, ગ્રોથ માટેની તકોના દ્વાર ખુલશે તેમજ ભારતીય કંપનીઓ માટે રોકાણકારોના બેઝનો વ્યાપ પણ વધશે.