માધુપુરા ક્રિકેટ સટ્ટા રેકેટમાં પૈસા પડાવવાના આરોપસર તત્કાલિન પીસીબી પીઆઈ તરલ ભટ્ટની જૂનાગઢ બદલી થઈ હતી. જ્યારે જૂનાગઢનો તોડકાંડ પકડાયો તે સવા વર્ષના સમયગાળામાં તરલ ભટ્ટે ગેરકાયદે 100 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યાં હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું છે. તે તમામ એકાઉન્ટ ધારકોની માહિતી એટીએસ એકત્રિત કરી રહી છે અને ટૂંક જ સમયમાં તે એકાઉન્ટ ધારકોને બોલાવીને પૂછપરછ શરૂ કરવામાં આવશે. જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ.એમ.ગોહિલ તેમજ એએસઆઈ દીપક જાની વિરુદ્ધ તોડકાંડની ફરિયાદ થયા બાદ આ કેસની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી.
એટીએસની ટીમે તરલ ભટ્ટની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તે મંગળવારે પૂરા થઇ રહ્યા છે. આ 4 દિવસની તપાસમાં એટીએસને એવી વિગતો જાણવા મળી હતી કે, જૂનાગઢ એસઓજી દ્વારા દારૂ-જુગારની ડ્રાઈવના ઓથા હેઠળ 386 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક એકાઉન્ટ તોડકાંડનો ભોગ બનેલા કાર્તિકનું પણ હતું. પરંતુ આ 386 બેન્ક એકાઉન્ટ જુદા જુદા ગુનાના કામે સત્તાવાર રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. પરંતુ જૂનાગઢ પોસ્ટિંગ થયા બાદ તરલ ભટ્ટે સવા વર્ષમાં ગેરકાયદે રીતે 100 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા હતા.
આ તમામ બેન્ક એકાઉન્ટની માહિતી એટીએસ હાલમાં એકત્રિત કરી રહી છે. જો કે ખાતેદારોની માહિતી મળી ગયા બાદ તે તમામને એટીએસની ઓફિસે બોલાવાશે. જેમાં તેમનું બેન્ક એકાઉન્ટ કયા કારણથી ફ્રીઝ કરાયું હતું અને ફ્રીઝ થયેલંુ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે તરલ ભટ્ટે કયા ખાતેદાર પાસેથી કેટલા પૈસા લીધા હતા.
મંગળવારે ભટ્ટના રિમાન્ડ પૂરા થતાં હોવાથી એટીએસની ટીમ તેને જૂનાગઢ લઈ જશે. જો કે હાલમાં પણ તરલ ભટ્ટની પેન ડ્રાઈવ, 3 મોબાઈલ ફોન, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે. જેથી એટીએસની ટીમ ભટ્ટના વધુ રિમાન્ડની માંગણી કરશે. ભટ્ટ ક્રિકેટ સટ્ટા બેટિંગ રમતી વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવી તેમને ધાકધમકી આપી તેમના બેન્ક ખાતામાં જમા રકમમાંથી 40થી 50 ટકા રકમ પડાવી લેવાનું કાવતરુ ઘડ્યું હતું.