ચોમાસું આ વર્ષે દેશ પર મહેરબાન છે. સામાન્ય રીતે ચોમાસાની 18 સપ્ટેમ્બર બાદથી પશ્ચિમ રાજસ્થાનના રસ્તે વિદાય શરૂ થઈ જાય છે. પરંતુ આ વખતે ચોમાસું વધુ 16 દિવસ સક્રિય રહેવાની શક્યતા છે. એટલે કે દેશમાં સપ્ટેમ્બરના અંત સુધી મેઘમહેર થતી રહેશે. પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાઇમેટ મુજબ, ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં પણ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ મુજબ, આ વખતે ચોમાસામાં અત્યાર સુધી 108 ટકા એટલે કે 8% વધુ વરસાદ પડી ચૂક્યો છે. 13 સપ્ટેમ્બર સુધી સામાન્ય રીતે 784.3 મિમી વરસાદ પડવો જોઈએ. જોકે 849.6 મિમી વરસાઈ પડી ચૂક્યો છે. વધુ વરસાદ પડ્યો હોવા છતાં દેશના લગભગ એક ચતુર્થાંશ એટલે કે 185 જિલ્લા (26%)માં દુષ્કાળ જેવી સ્થિતિ છે. 68 જિલ્લા એવા છે, જ્યાં સામાન્યથી 60% વરસાદ પડ્યો છે.
ઉત્તરાખંડમાં 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે. ઋષિકેશ, હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન થઈ ગયો છે. ઋષિકેશમાં ગંગા નદી ચેતવણી રેખાથી ઉપર અને કુમાઉંમાં કોસી અને કાલી નદી ચેતવણી રેખાને લગોલગ વહી રહી છે. નૈનીતાલમાં નૈની લેક ઓવરફ્લો થઈ ગયું છે. અનેક સ્થળે ભૂસ્ખલનના કારણે 200 રસ્તા બંધ છે. ચારધામ યાત્રા રોકી દેવાઈ છે. કેદારનાથ જઈ રહેલા 2 હજાર શ્રદ્ધાળુઓને સોનપ્રયાગ અને અન્ય સુરક્ષિત સ્થળે રોકવામાં આવ્યા છે. હવામાન વિભાગે પહાડી જિલ્લાઓમાં શનિવારે પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.