રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ સટ્ટાનું મોટુ નેટવર્ક ચાલતુ હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચે એસ્ટ્રોન ચોક પાસે આવેલી ઓફિસમાં તેમજ હનુમાન મઢી અને નવાગામ બસ સ્ટેન્ડ પાસે દરોડા પાડી ક્રિકેટ સટ્ટો રમાડતા શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂ. 11.65 લાખની રોકડ તેમજ માસ્ટર આઈડી મળી આવતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા મુખ્ય નેટવર્ક ચલાવતા અન્ય ત્રણ શખસોના નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય નેટવર્કમાં જેમના નામ ખુલ્યા તેમાં એક કુખ્યાત બુકી રાકેશ રાજદેવના ભત્રીજા હોવાનું સામે આવતા અચાનક જ ત્રણ નામચીન બુકીને ત્યાં દરોડા થતા રાજકોટ શહેરના અન્ય બુકીઓમાં સોપો પડી જવા પામ્યો છે.
ક્રિકેટ સટ્ટાની 3 માસ્ટર આઈડીઓ મળી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. બી.ટી. ગોહેલ પી.એસ.આઈ. ગળચર સહિતના સ્ટાફે એસ્ટ્રોન ચોકમાં દરોડો પાડી સુકેતુ ભુતા તેમજ હનુમાન મઢી પાસેથી ભાવેશ ખખ્ખર અને નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી નિશાંત ચગને ક્રિકેટ સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપી લઈ તેની પાસેથી રૂ.11.65 લાખની મતા કબજે કરી હતી. પોલીસની વધુ તપાસમાં પકડાયેલા શખસો પાસેથી ચેરી બેટ, મેઝીક ક્લિક અને ગો એક્ષચેન્જ નામની 3 માસ્ટર આઈડીઓ મળી આવી જેમાં કરોડોની લેતીદેતી સામે આવી છે. પકડાયેલ આ ત્રણેય આરોપીઓ એક જ નેટવર્ક સાથે સંકળાયેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.