આગામી કેટલાંક વર્ષો સુધીમાં ભારત ચિત્તાની ઝડપે પ્રગતિ કરનારો દેશ બની જશે. આથી આગામી 5 વર્ષમાં એટલે કે 2028 સુધીમાં વિશ્વના આર્થિક વિકાસ (ઇકોનોમિક ગ્રોથ)માં ભારતની ભાગીદારી 18%ની થશે, જે અત્યારે 16%થી થોડી ઓછી છે. આઇએમએફના તાજેતરના અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. 2022માં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 282 લાખ કરોડ રૂપિયા હતું, જે 2028 સુધીમાં 500 લાખ કરોડ થઈ શકે છે. ભારત અને ચીનની મળીને વિશ્વની આર્થિક પ્રગતિમાં 50% ભાગીદારી છે. ભારતમાં આ વર્ષે જીડીપીનો ગ્રોથ રેટ 6.3% રહી શકે છે, ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ડી. કે. જોશી કહે છે કે દેશમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વધી રહ્યું છે અને ઉત્પાદનો પર તેની સીધી અસર જોવા મળી છે.
પ્રગતિનાં ક્ષેત્રો ગતિમાન હોવાનો સંકેત આપતી 10 વાત 1. ઉત્પાદન પ્રી-કોવિડના સ્તરથી વધુ: દેશનાં ઉત્પાદન એકમો વધતી માગને પહોંચી વળવા ઉત્પાદન ક્ષમતાના 76.3% સુધીની ડિલિવરી કરી રહ્યાં છે. આ સ્તર 2019 કરતાં વધુ છે. એ સમયે કારખાનાં ઉત્પાદન ક્ષમતાનો 75% ઉપયોગ કરતાં હતાં. 2. બેકારીદરમાં સતત ઘટાડો: દેશમાં બેકારીનો દર મે, 2023માં 8%થી વધુ પહોંચ્યો હતો. હવે એ ઘટીને 7.1%એ પહોંચ્યો છે. દેશની 39.97% વસ્તી પાસે રોજગારી છે જ્યારે 40.87% યોગ્ય શ્રમશક્તિ પાસે વધુ પડતું કામ છે. 3. વિદેશી હૂંડિયામણ 22% વધ્યું: વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ભારતમાં વિદેશી હૂંડિયામણ ભંડાર 22% વધ્યો છે. તેની સરખામણીમાં ચીનમાં આ ભંડાર માત્ર 1.9% વધ્યો છે. અત્યારે ભારત વિદેશી હૂંડિયામણ ભંડાર રાખનારો પાંચમો મોટો દેશ છે.