પશ્ચિમ બંગાળમાં 50 બનાવટી જાતિ પ્રમાણપત્રોથી સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશનના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. કલકત્તા હાઈકોર્ટના બે ન્યાયાધીશો વચ્ચેના વિવાદને ધ્યાનમાં લેતાં સુપ્રીમકોર્ટે આ મામલાને લગતી તમામ અરજીઓને મગાવી છે. હવે સુપ્રીમકોર્ટ આ અંગે સુનાવણી કરશે. બીજી તરફ જે સીબીઆઈ તપાસને લઈ બે જજ વચ્ચે વિવાદ થયો હતો તે હવે શરૂ થઈ ગઈ છે.
સીબીઆઈએ કેસ પણ નોંધ્યો છે. તપાસ એજન્સીએ પશ્ચિમ બંગાળ સરકારના અજાણ્યા અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. તપાસ એજન્સીએ મમતા બેનર્જી સરકાર પાસેથી તમામ ઓફિસોમાં કામ કરતા અધિકારીઓની વિગતો માંગી છે જેમની ઓફિસમાંથી આ નકલી જાતિ પ્રમાણપત્રો અપાયાં હતાં. સીબીઆઈએ તમામ સરકારી મેડિકલ કોલેજોમાં અનામત ક્વોટામાં સીટ મેળવનારા વિદ્યાર્થીઓના જાતિ પ્રમાણપત્રની પણ તપાસ શરૂ કરી છે. આ મામલે બંગાળની મમતા સરકાર નિશાના પર આવી શકે છે.
જ્યારે એક ગરીબ વિદ્યાર્થિનીને નીટમાં સારા માર્ક્સ મળ્યા હતા છતાં સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન ન મળ્યું. આ અંગે વિદ્યાર્થિનીએ પોતે તપાસ કરી તો ખબર પડી કે ઘણી એવી ઉચ્ચ વર્ગની યુવતીઓને ઓછા માર્કસ હોવા છતાં સરકારી કોલેજમાં એડમિશન મળ્યું હતું. આ અંગે વિદ્યાર્થિનીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે જસ્ટિસ ગંગોપાધ્યાયે સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે સરકારી તંત્રએ આવા 50 અયોગ્ય નીટ ઉમેદવારો માટે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રો તૈયાર કર્યા હતાં. અને કોલેજોમાં પ્રવેશ આપ્યો હતો.