ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના તાજેતરમાં કેટલાક વિવાદ થયા બાદ રાજકોટની કોલેજમાં ચાલતા સેન્ટરને બંધ કરવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે. શહેરના સામાકાંઠે આવેલી ઓમ કોલેજના ટ્રસ્ટીઓએ આંબેડકર યુનિ.ના મેનેજમેન્ટને પત્ર લખીને જણાવી દીધું હતું કે, છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની અનેક ફરિયાદો આવી રહી છે જેનું નિરાકરણ કરવામાં આવતું નહીં હોવાથી આ સેન્ટર તેઓ ચાલુ રાખવા માગતા નથી. રાજકોટની કોલેજનું આંબેડકર યુનિ.નું કેન્દ્ર બંધ કરવા તેમણે શિક્ષણમંત્રીને પણ જાણ કરી છે.
રાજકોટની કોલેજમાં ચાલતા સેન્ટરને બંધ કરવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો
આંબેડકર યુનિ.ને લખેલા પત્રમાં ઓમ કોલેજના ટ્રસ્ટી ડૉ.પરેશ રબારીએ જણાવ્યું છે કે, ઓમ કોલેજ રાજકોટમાં આપની યુનિવર્સિટીનું સેન્ટર આવેલું હતું. લાઈબ્રેરી સાયન્સ અને અન્ય વિષયોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અવારનવાર અમારા સુધી આવે છે જે સોલ્વ થતા નથી. આપને ત્યાં પણ ઈ-મેલ ચેક કરશો તો ગુજરાતભરમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓની ફરિયાદ આવેલી દેખાશે, અમારા ટ્રસ્ટી મંડળે સેન્ટરને બંધ કરવા નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે બીજા નજીકના સેન્ટર પર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ડૉ. આંબેડકર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ ડિપ્લોમા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરના કોર્સ અને આ યુનિ.ના કુલપતિની પ્રોફેસર તરીકેની ભરતી ગેરકાયદે કરવામાં આવી હોવા મુદ્દે વિવાદ થયો હતો.