લેટિન અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝિલમાં પોલીસ અને હાલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થકોની વચ્ચે ઝપાઝપી થઇ ગઇ. સમર્થક પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા. અહીં લૂલા ડા સિલ્વાની જીતનો વિરોધ કરી રહેલા બોલ્સોનારોના સમર્થકોએ કેટલીક ગાડીઓને આગના હવાલે કરી દીધી. પોલીસે પ્રદર્શનકારીઓને કંટ્રોલ કરવા ટીયરગેસના સેલ છોડ્યા.
હકીકતમાં ઓક્ટોબરમાં થયેલા પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં લૂલા ડી સાલ્વાએ હાલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને આશરે 21 લાખ 39 હજાર વોટોથી હરાવી દીધા. જાયર બોલ્સોનારો પહેલાં જ ચોખવટ કરી ચૂક્યા છે કે જો તેઓ ચૂંટણી હારી જશે તો અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો રસ્તો અપનાવશે અને પરિણામોને કબૂલ નહીં કરે.
સોશિયલ મીડિયા પર હિંસાના વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. જર્નાલિસ્ટ એલન રિયોસે એક વીડિયો શેર કરતા લખ્યું કે રાજધાની બ્રાઝિલિયા વોરઝોનની જેમ દેખાઇ રહ્યો છે. અહીં ગાડીઓમાં આગ લગાડવામાં આવી છે. કેટલીક બિલ્ડિંગોમાં તોડફોડ કરવામાં આવી છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, પ્રદર્શનકારીઓએ પીળા રંગની ટી-શર્ટ પહેરેલી હતી. આને બોલ્સોનારોની પાર્ટીના સમર્થકના સિમ્બોલના રૂપે જોવામાં આવે છે.
કેટલાક લોકલ રિપોર્ટરે તેમના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં જોઇ શકાય છે કે પ્રદર્શનકારીઓએ એક ચાલતી બસમાં આગ લગાડી દીધી. જોકે આ વાતની જાણકારી નથી કે બસમાં કેટલા લોકો હાજર હતા અને કેટલા લોકો અત્યાર સુધીમાં ઘાયલ થયા છે.