વિશ્વ માટે 2024 ‘ચૂંટણી વર્ષ’ છે કારણ કે વિશ્વની 49% વસ્તીવાળા 64 દેશમાં ચૂંટણી છે. આથી રાજકીય ધ્રુવીકરણ સૌથી મોટું જોખમ હોવાનું 46% નિષ્ણાતોનું માનવું છે. 53%ના મતે એઆઇથી સર્જાતા ભ્રામક સમાચારો સૌથી વધુ જોખમી છે. 66%નું કહેવું છે કે સૌથી વધુ નુકસાન પલટાતા હવામાનને કારણે થઈ શકે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ રિસ્ક રિપોર્ટ-2024માં આ આંકડા સામે આવ્યા છે.
આગામી 2 વર્ષની વાત કરીએ તો દેશમાં ભ્રામક સમાચારો સૌથી વધુ ઘાતકી પુરવાર થઈ શકે છે. આગામી ચૂંટણીને જોતાં તેની આશંકા વધી જાય છે. તેમાં સોશિયલ મીડિયાની સૌથી મહત્ત્વની ભૂમિકા હશે. 113 દેશના 11 હજાર બિઝનેસ લીડર્સ પર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓપિનિયન સરવેમાં આ વાત સામે આવી છે. તે પ્રમાણે વર્ષ 2026 સુધી ભારત માટે ટોપ-5 મોટાં જોખમોમાં ખોટા સમાચારો પછી ચેપી રોગ, ગુનાહિત આર્થિક પ્રવૃત્તિ, આવકમાં અસમાનતા અને શ્રમિકોની અછત સમાવિષ્ટ છે.
આગામી દાયકામાં વિશ્વ સામે જે ટોપ-10 જોખમ તોળાઈ રહ્યાં છે તેમાં 5 પર્યાવરણ સાથે જોડાયેલાં છે. ટોપ-5માંથી 4 મોટાં જોખમોનું કારણ પર્યાવરણ છે. તેમાં અતિ ગરમી, શિયાળો અને વરસાદ, પૃથ્વીના તંત્રમાં વિપરીત પરિવર્તન, ઇકોસિસ્ટમની બરબાદી, પ્રાકૃતિક સંપત્તિની અછત અને પ્રદૂષણ સમાવિષ્ટ છે. જોકે 2 વર્ષનાં ટોપ-10 જોખમમાં પર્યાવરણ સાથે સંકળાયેલાં 2 (એક્સટ્રીમ વેધર અને પ્રદૂષણ) જ છે. 10 વર્ષનાં ટોપ-10 જોખમમાં 3 (ખોટા સમાચાર, એઆઇનો દુરુપયોગ, સાઇબર સિક્યોટિરી) ટેક્નિકથી સંબંધિત છે.