બિઝનેસ ડેસ્ક ત્રણ રાજ્યોમાં ભાજપની બમ્પર જીતને પગલે શેરબજારમાં મોદી મેજિક છવાયો હતો જેના પગલે રોકાણકારોને પણ માર્કેટમાંથી કમાણીની ગેરંટી મળી હોવાનું સંકેત સાથે સેન્સેક્સમાં દોઢ વર્ષનો સૌથી મોટો 1384 પોઇન્ટના ઉછાળા સાથે 68,000ની સપાટી કુદાવીને રેકોર્ડ 68,865ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં 1437 પોઇન્ટ ઊછળીને 68918 સુધી વધ્યો હતો. નિફ્ટી પણ 419 પોઇન્ટ ઊછળીને 20,687ની સપાટીએ બંધ રહી હતી, જે એક તબક્કે 20,507.75 થઈ હતી. 2024માં આવનારી સામાન્ય ચૂંટણીમાં મોદી સરકાર માટે રસ્તો વધુ સરળ બનવાની આશા પાછળ રોકાણકારોની મૂડી સરેરાશ છ લાખ કરોડ વધીને રૂ.343.47 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી છે. ડોલર મૂલ્યમાં શેરબજારનું માર્કેટ કેપ 4.10 ટ્રીલિયન ડોલર નોંધાયું હતું. સેન્સેક્સમાં છેલ્લે 20 મે, 2022એ 1534 પોઇન્ટના એક દિવસિય ઉછાળા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. 15 સપ્ટેમ્બર, 2023એ પ્રથમવાર સેન્સેક્સે નવી ટોચ બનાવ્યા પછી સોમવારે નવી ટોચ બનાવવા માટે 53 ટ્રેડિંગ શેસનનો સમય લીધો હતો.
ભારતીય શેરબજારનું વેલ્યૂએશન મોંઘુ થયું હોવા છતાં તેની કોઈ ચિંતા બજારના એનાલિસ્ટો કે રોકાણકારોમાં જોવાઈ નહોતી. સેન્સેક્સમાં 2023નો તો ખરો પણ મે 2022 પછીનો સોમવારનો મોટો ઊછાળો આવવા પાછળ મોદી મેજીકની સાથે ગત્ સપ્તાહમાં બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંક 7.6 ટકા આવતા આ સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મળનારી એમપીસીની બેઠકમાં આગામી સમય ગાળા માટે જીડીપીના વર્તમાન અંદાજ સુધારવામાં આવે અને ફુગાવાનો અંદાજ પણ નીચે મૂકવામાં આવે તેવી ધારણા બજારમાં રહી હતી. વધુમાં અમેરિકામાં બોન્ડ યીલ્ડ નીચે આવતા અને યુરો ઝોનમાં ફુગાવો બે વર્ષની નીચલી સપાટીએ ગબડતાં ઇસીબી પણ વ્યાજદરમાં વધારો કરવાનું વલણને ઠંડુ કરશે એવી સંભાવનાઓની પોઝિટીવ અસર હતી. અમેરિકાના શેરબજાર પણ વર્ષની ઊંચી સપાટીની નજીક ટ્રેડ થઈ રહ્યા છે અને ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક મહિનાથી ડાઉ સાથે જુગલબંધી કરતા હોવાનું ચિત્ર રહ્યું છે.