2023માં ગુજરાતમાં 10.21 લાખ નાગરિકોને પાસપોર્ટ ઇશ્યૂ થયા છે, એટલે કે ગત વર્ષે દરરોજ સરેરાશ 2800 ગુજરાતીઓએ પાસપોર્ટ કઢાવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2023 સુધી ગુજરાતમાં 62.45 લાખ લોકો માન્ય પાસપોર્ટ ધરાવે છે. જ્યારે દેશમાં સૌથી વધુ કેરળના 98.92 લાખ નાગરિકો માન્ય પાસપોર્ટ ધરાવે છે. આ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે.
ગુજરાતમાં પાસપોર્ટધારકોમાંથી 40% એટલે કે 24.96 લાખ મહિલા અને 60% એટલે કે 37.48 લાખ પુરુષો છે. વર્ષ 2019થી 2023 દરમિયાન રાજ્યમાં 35.13 લાખ લોકોએ પાસપોર્ટ કઢાવ્યા છે, જે કુલ પાસપોર્ટના 56% છે. દેશમાં 8.82 કરોડ નાગરિકો પાસે પાસપોર્ટ છે તેમાંથી 35% એટલે કે 3.08 કરોડ મહિલા અને 65% એટલે કે 5.73 કરોડ પુરુષ પાસપોર્ટધારકો છે. દેશમાં 2023 સુધી માન્ય પાસપોર્ટ સહિત કુલ 9.26 કરોડ પાસપોર્ટ ઇશ્યૂ થયા છે.