રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 48 કલાકમાં યુક્રેન દ્વારા કર્ચ બ્રિજને ઉડાવી દેવાનો બદલો લીધો છે. સોમવાર સવારથી રશિયા તરફથી યુક્રેન પર મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ વિસ્ફોટોમાં યુક્રેનનો પાર્કોવી બ્રિજ પણ ધ્વસ્ત થઈ ગયો છે. આ પુલ પદયાત્રીઓ માટે બનાવવામાં આવ્યો હતો.
ખરેખર શનિવારે યુક્રેને રશિયાને ક્રિમિયાથી જોડતો કર્ચ રેલવે બ્રિજને ઉડાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, શનિવારે સવારે 6 વાગે બ્રિજમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ પુલને ક્રિમિયા પર રશિયાના કબજાના પ્રતીક તરીકે જોવામાં આવતો હતો.આ પછી જ પુતિને યુક્રેનની રાજધાની પર ફરી હુમલો કર્યો છે.
રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થયાને 7 મહિના થઈ ગયા છે. ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધની શરુઆતમાં રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો મિસાઈલ હુમલો કર્યો હતો. જોકે કિવની સેના અને નાગરિકો તરફથી ભારે ટક્કર મળ્યા બાદ એપ્રિલમાં રશિયાએ કિવમાંથી પોતાની સેના પરત બોલાવવાનું શરૂ કરી દીધું હતું. હવે ફરી એકવાર રશિયાએ કિવ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. સોમવારે સવારથી જ કિવ પર રશિયન રોકેટોનો બોમ્બમારો થઈ રહ્યો છે.