આંધ્રપ્રદેશની રાજનીતિમાં હિલચાલ વધી છે. વાયએસઆર કોંગ્રેસના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીને પડકાર ફેંક્વા વધુ એક નવું ગઠબંધન રચાવાની તૈયારી છે. પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ તાજેતરમાં જનસેના પ્રમુખ અને ટોલિવૂડ અભિનેતા પવન કલ્યાણ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના રાજકારણના જાણકારો કહે છે કે મુખ્યમંત્રી જગન વિરુદ્ધ ન ફક્ત આ બંને પક્ષો એકજૂટ થશે
પણ એવી શક્યતા છે કે તેઓ ભાજપને પણ પોતાના ગઠબંધનમાં સામેલ કરી શકે છે. ખરેખર સત્તાધારી પક્ષ વાયએસઆર કોંગ્રેસ રાજ્યમાં 3 રાજધાની બનાવવા માગે છે. આ અંગે 2020માં બિલ પસાર કરાયું હતું પણ ભારે વિરોધ પછી તેને પાછું ખેંચી લેવાયું. પણ આ મોનસૂન સત્રમાં મુખ્યમંત્રીએ ફરી એકવાર રાજ્ય માટે 3 રાજધાનીની જરૂર હોવાની વાત કહી હતી. તેના પછી અમરાવતીના ખેડૂતોએ વિરોધ શરૂ કરી દીધો હતો. તેમનું કહેવું છે કે અમે અમરાવતીને રાજધાની બનાવવા માટે સરકારને પોતાની જમીનો આપી હતી. સરકારનો તર્ક છે કે તેનાથી વિકાસ સારી રીતે થઈ શકશે. અમરાવતીમાં રાજ્યની વિધાનસભા હશે, વિશાખાપટ્ટનમમાં કાર્યપાલિકા એટલે કે સરકાર બેસશે અને કુરનૂલમાં હાઈકોર્ટ હશે. રાજ્યમાં તમામ વિપક્ષી દળોએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને પછી આ મામલો સુપ્રીમમાં ગયો. હાલ આ મુદ્દાને ઉઠાવી ચંદ્રાબાબુ નાયડુ ફરી સત્તા મેળવવા માગે છે.