રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે સંકળાયેલી સરકારી શાળાઓની બદતર હાલત જોવા મળી છે. PM શ્રી પ્રોજેક્ટ હેઠળની 18 શાળાઓને મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવાનું જિલ્લા કલેકટર દ્વારા સ્વપ્ન તો સેવવામાં આવ્યું છે, પરંતુ શું તે પરિપૂર્ણ થશે? તે સવાલનો જવાબ મેળવવા માટે રાજકોટ જિલ્લાની PM શ્રી પ્રોજેક્ટ હેઠળની શાળાઓના આચાર્યો સાથે વાત કરી. જેમાં સામે આવ્યું કે, કોઈ સ્કૂલમાં રમતગમતનું મેદાન જ નથી તો અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેની પ્રાથમિક સુવિધા ગણાતી બેન્ચ જ નથી. કેટલીક સ્કૂલમાં શિક્ષકોની ઘટ 50 ટકા જેટલી છે. જ્યારે લેબોરેટરી અને લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અતિ મહત્વપૂર્ણ સીસીટીવી કેમેરા જ નથી. સાથે જ ચોકીદાર અને માળી નથી તો ક્યાંક પાણી પણ આવતું નથી. જેથી જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ જાગે તો જ આ શાળાઓની સ્થિતિ સુધરી શકે તેમ છે.
PM શ્રી પ્રોજેક્ટ હેઠળની શાળાઓના આચાર્યો સાથે કરવામા આવેલી ટેલિફોનિક વાતચીત મુજબ શહેરની શાળા નંબર 93માં ટોઇલેટમાં પાણી નથી કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CCTV નથી. 38 દિવ્યાંગ બાળકો છે, પરંતુ તેમને ભણાવી શકે તેવા સ્પેશિયલ એજ્યુકેટર નથી. ગોંડલના સુલતાનપુરની શાળામાં 9ના સેટઅપ સામે 4 જ શિક્ષકો છે. જેતપુરની મોટા ગુંદાળા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર છે, પરંતુ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવી શકે તેવા કોમ્પ્યુટર ઓપરેટર નથી. વીંછિયાની મોઢુકા શાળામાં 110 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 28 જ બેન્ચ છે. બેન્ચની ઘટ ઘણા સમયથી છે.