રાજકોટ શહેરમાં ડેરીઓમાંથી દૂધ મળે તેમ અલગ-અલગ વિસ્તારોમાં ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ થતું હોવાનો કોંગ્રેસે ભાડાંફોડ કર્યો છે, એક મહિના પૂર્વે પોલીસ કમિશનરને આ મામલે રજૂઆત કર્યા બાદ કોંગ્રેસે શુક્રવારે પત્રકાર પરિષદ યોજી શહેરમાં 72 પેડલર કાર્યરત હોવાની અને શહેરના ક્યા ક્યા વિસ્તારોમાં માદક પદાર્થનું વેચાણ થાય છે તેની વિગતો જાહેર કરી હતી.
કોંગ્રેસના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ગાયત્રીબા વાઘેલા અને રોહિત રાજપૂત સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગત તા.10 જાન્યુઆરીના શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રૂબરૂ મળી શહેરમાં ડ્રગ્સ અને ગાંજાના બેફામ વેપારને અટકાવી યુવાઓને બરબાદ થતાં અટકાવવા રજૂઆત કરી હતી, કમિશનર ભાર્ગવે તત્કાલીન સમયે આક્ષેપ નહીં પરંતુ પુરાવા આપો તેમ કહી રજૂઆતને ધ્યાને લીધી નહોતી
કોંગ્રેસે શુક્રવારે મીડિયા સમક્ષ શહેરના 72 પેડલરના નામ, નંબર અને ક્યા ક્યા વિસ્તારમાં ડ્રગ્સ, ગાંજો, ડ્રગ્સના સેવનમાં ઉપયોગમા લેવાતી વસ્તુઓનું વેચાણ થાય છે તેની માહિતી જાહેર કરી હતી, રાજ્યગુરૂએ કહ્યું હતું કે, રજૂઆતને એક મહિનો વીતી ગયો છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી જે પોલીસની ગુનેગારો સાથેની મીલીભગતની ચાડી ખાય છે, આથી આગામી દિવસોમાં આ તમામ વિગતો સાથેની યાદી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ સોંપીને રાજકોટના યુવાધનને માદક પદાર્થના ખપ્પરમાં ખૂંપતા બચાવવાની અપીલ કરવામાં આવશે.