પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિને લઈને રવિવારે પાકિસ્તાનમાં શરૂ થયેલો વિરોધ હિંસક બન્યો હતો. હિંસામાં અત્યારસુધીમાં 7 લોકોનાં મોત થયાં છે, જેમાં 4 પ્રદર્શનકારી અને 3 પોલીસકર્મીનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાનના સમર્થકોએ શ્રીનગર હાઈવે પર સુરક્ષા દળો પર હુમલો કર્યો, જેમાં ત્રણ જવાનને કચડીને મારી નાખ્યા. હિંસામાં અત્યારસુધીમાં 100થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે. મોટા ભાગનાની હાલત ગંભીર છે.
બીબીસીના જણાવ્યા અનુસાર, ઈમરાનના સમર્થકો કલાકો સુધી એકઠા થયા, ધ ડોન અનુસાર ઈમરાન ખાનના સેંકડો સમર્થકો ઈસ્લામાબાદના ડી ચોક પહોંચ્યા. પોલીસ તેમને રોકવા માટે ટિયરગેસના શેલ છોડી રહી છે. જવાબમાં દેખાવકારોએ પોલીસ અને સેના પર પથ્થરમારો કર્યો હતો.
કલાકોના સંઘર્ષ બાદ સેનાએ પ્રદર્શનકારીઓને ડી ચોક ખાલી કરાવ્યો હતો. જ્યારે વિરોધનું નેતૃત્વ કરી રહેલા ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીએ કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ ખાનને નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.