અર્પિત પાઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે તેઓ અંબાજી ખાતે પૂજા-અર્ચના કરશે. તથા બે દિવસના પ્રવાસ દરમિયાન 5,950 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ નિમિત્તે વડાપ્રધાન કેવડિયાથી અમદાવાદ સુધીની નવી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતા નગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે હેરિટેજ ટ્રેન દોડશે. આ ટ્રેનમાં 144 લોકો મુસાફરી કરી શકશે તેમજ 28 મુસાફરો બેસીને જમી શકે તેવી ડાઇનિંગ સુવિધા પણ રખાઈ છે. 4 કોચની આ ટ્રેનમાં શતાબ્દી ચેરકાર જેટલું ભાડું લેવાશે.
અગાઉ સાઉથ રેલવેમાં આ પ્રકારની ટ્રેન કાર્યરત હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદથી વિસ્ટાડોમ કોચ સુપરફાસ્ટ ટ્રેનમાં લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે હેરિટેજ ટ્રેન ચલાવવાથી દિવાળી વેકેશનમાં ફરવા આવનાર મુસાફરોને એક અલગ અનુભવ થશે. ચાલુ ટ્રેનમાં રેસ્ટોરન્ટની જેમ જમવાનો પણ અલગ જ અનુભવ થશે, તેમ રેલવે દ્વારા જણાવાયું છે. હેરિટેજ ટ્રેનના એન્જિનને જૂના જમાનાના સ્ટીમ એન્જિન જેવું તૈયાર કરવામાં આવ્યું છે, જેને પગલે મુસાફરોને નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરતા હોય તેવું અનુભવ થઈ શકે. ઇલેક્ટ્રિક એન્જિનને સ્ટીમ એન્જિન જેવું તૈયાર કરવામાં આવ્યું છે. 3 મહિનાની મહેનત બાદ આ એન્જિન તૈયાર થયું છે.