શહેરમાં એક યુવક સહિત વધુ ત્રણના હાર્ટએટેકથી મૃત્યુ થયા હતા. શ્રીરામ પાર્ક સોસાયટીનો યુવક કારખાનું શરૂ કરવા સામાન ફેરવી રહ્યો હતો ત્યારે હાર્ટએટેકથી તેનું મૃત્યુ થયું હતું. તેમજ બે સ્થળે બે પ્રૌઢના હાર્ટફેઇલ થઇ ગયા હતા.
મવડીના બાલાજી હોલ પાસેના શ્રીરામ પાર્ક સોસાયટીમાં રહેતો મોહિલ કિશોરભાઇ સોરઠિયા (ઉ.વ.24) સોમવારે રાત્રે 11 વાગ્યે મવડી પ્લોટમાં તેના કૌટુંબિક બનેવીના મોટાબાપુના કારખાનામાં હતો ત્યારે અચાનક બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મોહિલ એક બહેનનો એકનો એક ભાઇ હતો, આરતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઝીંકનું કારખાનું શરૂ કરવું હોય મોહિલ વિજયભાઇના કારખાનામાંથી સામાન ફેરવવાનું શરૂ કર્યું હતું, બે ફેરા કર્યા બાદ ત્રીજો ફેરો કરે તે પહેલાં મોહિલ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું.
હાર્ટફેઇલના અન્ય બે કિસ્સા પણ બન્યા હતા, રેલનગરની સાઇબાબા સોસાયટીમાં રહેતા રમેશભાઇ હિરાભાઇ ગોહેલ (ઉ.વ.59) પોતાના ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં ગભરામણ થયા બાદ બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત રાજનગર ચોક પાસે રહેતા કાંતિભાઇ કલાભાઇ સાગઠિયા (ઉ.વ.50) બેટી રામપર ગામે પથ્થરની ક્વોરીની ઓફિસે હતા ત્યારે ત્યાં બેભાન થયા હતા અને બેભાન હાલતમાં તેમનું મૃત્યુ થયું હતું.