હાલના સમયમાં વ્યસ્ત જીવન અને કામના ભારણને લીધે દરેક વ્યક્તિ પૂરતી ઊંઘ લઈ શકતી નથી. સ્લીપ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ વીકએન્ડ કે રજાના દિવસે સામાન્ય કરતાં એક કલાક કે તેથી વધુ ઊંઘ લે તો હૃદયરોગની શક્યતા ઘટે છે.
સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો પૂરતી ઊંઘ નથી લઈ શકતાં તેમનામાં સ્ટ્રોક, કોરોનરી હાર્ટ ડિસીઝ અને એન્જેનાનું જોખમ વધારે જોવા મળ્યું હતું. ચીનની નાનજિંગ મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ અમેરિકાના નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સરવે (એનએચએએનઈએસ)ના ડેટાનું વિશ્લેષણ કરીને આ માહિતી આપી છે.
નોંધનીય છે કે અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન પહેલાં જ કહ્યું છે કે પૂરતી ઊંઘ ન લેવાથી હૃદયરોગ, ટાઈપ 2 ડાયાબિટીસ, સ્થૂળતા, ડિપ્રેશન, હાઈ બ્લડપ્રેશર અને અન્ય રોગોનું જોખમ વધી જાય છે.