BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના સચિવ જય શાહે જાહેરાત કરી છે કે રોહિત શર્મા જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશિપ કરશે.
રાજકોટમાં આયોજિત કાર્યક્રમમાં જય શાહે કહ્યું કે, અમે ભલે 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ હારી ગયા હોય, પરંતુ અમે ત્યાં સતત 10 મેચ જીતીને દિલ જીતી લીધું. મને વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત બાર્બાડોસમાં 2024નો T20 વર્લ્ડ કપ જીતશે.
બુધવારે SCA સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. આ જ ઈવેન્ટમાં શાહે રોહિતની કેપ્ટનશિપની જાહેરાત કરી હતી. રોહિત, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને મેન્સ નેશનલ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ કાર્યક્રમમાં હાજર હતા.
IPLમાંથી કેપ્ટનશિપ છોડ્યા બાદ રોહિતના વર્લ્ડકપ રમવા અંગે શંકા હતી
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં રોહિત પાસેથી કેપ્ટનશીપ છીનવીને હાર્દિક પંડ્યાને આપી હતી. ત્યારથી રોહિતના ટી-20 રમવા અને ભારતીય ટીમની કેપ્ટનશિપ અંગે શંકા હતી. MI મેનેજમેન્ટે 2024ની સીઝનની હરાજી પહેલા જ હાર્દિકને 15 કરોડ રૂપિયામાં ગુજરાતમાં સોદો કર્યો હતો. આ માટે MIએ ગુજરાતને 15 કરોડ રૂપિયા આપ્યા હતા અને અલગથી રકમ પણ આપી હતી. હરાજી પહેલા જ મેનેજમેન્ટે હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો.