જવાહર રોડ પરના એસબીઆઇ એટીએમ રૂમમાં વૃદ્ધને મદદ કરવાના બહાને કાર્ડ બદલાવી નાણાં ઉઠાવી લેનાર ગઠિયાએ તે જ એટીએમ રૂમમાં વિદ્યાર્થીને શિકાર બનાવી રૂ.1.44 લાખની રોકડ ઉપાડી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસે સીસીટીવી ચેક કરતા બંને બનાવમાં એક જ ગઠિયાે હોવાનું જોવા મળ્યું હતું. જેથી પીઆઇ ડી.એમ.હરિપરા સહિતના સ્ટાફે ગઠિયાને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
માંડાડુંગર, તિરુમાલા પાર્ક-1માં રહેતા જય નારણભાઇ કટારા નામના વિદ્યાર્થીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જામનગર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મામાની દીકરી ઉષ્મા ગત તા.28ના રોજ રાજકોટ આવી હતી. બહેનને પૈસાની જરૂરિયાત હોય તેને બેંક ઓફ બરોડાનું કાર્ડ આપી રૂ.5 હજાર ઉપાડવા કહ્યું હતું. જેથી પોતે જવાહર રોડ પર એસબીઆઇ બેંકના એટીએમ પર પહોંચી રૂ.5 હજાર ઉપાડ્યા હતા. ત્યારે એક શખ્સ પાછળ ઊભો હતો. તે શખ્સે આ રિસિપ્ટ તો લઇ લો તેમ કહી નજર ચૂકવી મશીનમાંથી કાર્ડ કાઢી બદલાવી નાંખ્યું હતું. પોતે રિસિપ્ટ લઇ ત્યાંથી નીકળી ગયો હતો. બીજા દિવસે બહેન ખરીદી કરવા જતા ખાતામાંથી પૈસા ઉપડ્યા ન હતા. તપાસ કરતા બહેનને આપેલું કાર્ડ અન્ય કોઇના નામનું જોવા મળતા એકાઉન્ટ ચેક કરતા ખાતામાંથી રૂ.1,43,900ની રકમ ઉપડી ગઇ હોવાનું જાણવા મળ્યું હતુ.