5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPL-2024ની પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. MI ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સે 24 રને પરાજય આપ્યો હતો. કોલકાતાએ વાનખેડે મેદાન પર 12 વર્ષ પછી મુંબઈને હરાવ્યું છે. આ મેદાન પર નાઈટ રાઈડર્સની છેલ્લી જીત 2012માં મુંબઈ સામે આવી હતી.
શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતા 19.5 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં મુંબઈની ટીમ 18.5 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે 4 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલને 2-2 વિકેટ મળી હતી. MI માટે સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 56 રનની અડધી સદી ફટકારી હતી.
KKR તરફથી વેંકટેશ અય્યરે 52 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી જ્યારે મનીષ પાંડેએ 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. નુવાન તુષારા અને જસપ્રીત બુમરાહે 3-3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાને 2 વિકેટ મળી હતી. એક વિકેટ પીયૂષ ચાવલાને મળી હતી.