ચીનના ચાંગચુંગ પ્રાંતમાં રહેતી ગેવિન યેએ 29 વર્ષની ઉંમરે નિર્ણય કર્યો હતો કે તે માતા બનશે પણ લગ્ન ક્યારેય નહીં કરે. જોકે ચીનના વર્તમાન કાયદાના કારણે તે શક્ય ન હતું એટલે તેણે અમેરિકા અને રશિયા જઈને આઈવીએફની મદદથી બે પુત્રીને જન્મ આપ્યો. પહેલી બાળકીનો જન્મ 2017માં થયો હતો, જ્યારે બીજી બાળકીનો જન્મ 2023માં થયો. ગેવિન સોશિયલ મીડિયામાં ‘યે હૈયાંગ’ નામે જાણીતી છે. ચીનની એપ ડૉયિન પર તેના 73 લાખ ફોલોઅર્સ છે.
ગેવિન હાલ 35 વર્ષની સિંગલ મધર છે. સોશિયલ મીડિયા પર તે પોતાની પુત્રીઓની દિનચર્યા શેર કરતી રહે છે. આ ઉપરાંત તેની કોસ્મેટિક કંપની વિશે પણ માહિતી આપતી રહે છે. ગેવિનના પ્રશંસકો તેની રહેણીકરણી અને સુંદર બાળકીઓની સાથે સારા પેરેન્ટિંગને પ્રોત્સાહન આપવા બદલ તેના વખાણ કરે છે. એક ફોલોઅર કહે છે કે ગેવિન એટલે ‘પુરુષની શક્તિશાળી આભા, મહિલાની સૌમ્યતા, એક પિતાની જવાબદારી અને એક માતાની મહાનતા. તમારી પાસે આ બધું જ છે.’
ગેવિન આવી એકમાત્ર મહિલા નથી. ચીનમાં લગ્ન કર્યા વિના માતા બનવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. અહીં મહિલાઓ હવે પરિવાર નિયોજન સાથે સંકળાયેલા નિર્ણયો પર વધુ નિયંત્રણ અને માપદંડોને ફરી વ્યાખ્યાયિત કરવા પર ભાર મૂકી રહ્યા છે. ડૉયિન એપ પર ગેવિન જેવી ડઝનબંધ ચેનલ છે, જેમાં સિંગલ મધર અને આઈવીએફ જેવા વિષયો પર મહિલા આઝાદી વિશે ખૂલીને વાત થઈ શકેછે. 33 વર્ષીય સિંગલ જિંગ કહે છે કે ‘અહીં આ બધી બાબતોનો પ્રચાર નથી થતો કારણ કે, આ બધું સામાજિક મૂલ્યો સાથે મેળ નથી ખાતું.’