ભારતનો પાસપોર્ટ નબળો પડી રહ્યો છે. પાસપોર્ટ રેન્કિંગ સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સે 2024 માટે પાસપોર્ટ ઈન્ડેક્સ જાહેર કર્યો છે.
ભારત રેન્કિંગમાં 5 સ્થાન નીચે 85માં સ્થાને પહોંચી ગયો છે. 2023માં ભારત 80મા સ્થાને હતું. જો કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભારતીયો વધુ 5 દેશોમાં વિઝા ફ્રીમાં મુસાફરી કરી શકશે. 2023માં, ભારતીયો 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો વધીને 62 થઈ ગયો છે.
તે જ સમયે, 6 દેશો પાસે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. જેમાં જાપાન, સિંગાપોર, સ્પેન, ફ્રાન્સ, ઈટાલી અને જર્મનીનો સમાવેશ થાય છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના ડેટા પર આધારિત છે.
જ્યારે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ ધરાવે છે. પાકિસ્તાનના પાસપોર્ટની રેન્કિંગ 101 છે. અહીંના નાગરિકો 34 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. આ તરફ લગભગ બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ છતાં યુક્રેનનો પાસપોર્ટ ભારતના પાસપોર્ટ જ નહીં પરંતુ રશિયાના પાસપોર્ટ કરતાં પણ વધુ પાવરફુલ છે.
હેનલી એન્ડ પાર્ટનર્સની રેન્કિંગમાં યુક્રેનનો પાસપોર્ટ 32મા ક્રમે છે. અહીંના નાગરિકો 148 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. જ્યારે રશિયન પાસપોર્ટનું રેન્કિંગ 51 છે. રશિયન નાગરિકો વિઝા વિના 119 દેશોની મુલાકાત લઈ શકે છે. 3 મહિનાથી હમાસ સાથે યુદ્ધ લડી રહેલા ઇઝરાયલનો પાસપોર્ટ રેન્કિંગ 21 છે.