ઉધનામાં એક ક્લિનીકમાં તબીબની પત્નીએ છાતીમાં દુઃખાવાની ફરીયાદ સાથે સારવાર માટે ગયેલા એક યુવકને ગ્લુકોઝની બોટલમાં 7-8 ઈન્જેક્શનો આપી દીધા બાદ યુવકનું મોત નિપજ્યું હતુ. યુવકના મોત બાદ પરિવારે ક્લિનીકમાં સારવાર આપનાર બોગસ તબીબ હોવાનો તેમજ તેની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઉધના નહેરૂનગર ખાતે રહેતા ભટુ નિંબાભાઈ પાટીલ(42) રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભટુભાઈને મંગળવારે રાત્રે સિવિલ ખાતે બેભાન હાલતમાં લાવતા મૃત જાહેર કરાયો હતો. ઉધના પોલીસે ભટુભાઈના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમની તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન પરિવારે પોલીસ સમક્ષ આક્ષેપ કર્યા હતા કે ગઈ તા.10 માર્ચના રોજ ભટુભાઈને છાતીમાં દુઃખાવો થતા ઉધના રોડ નં.6 ખાતે આવેલા જન સેવા ક્લિનીકમાં સારવાર માટે ગયા હતા.
જ્યાં તબીબ રામધન યાદવે તેમને ઈન્જેક્શન આપી ઘરે મોકલી આપ્યા હતા. બીજા દિવસે પણ તબિયતમાં સુધારો ન થતા ફરીથી ક્લિનીક પર ગયા હતા. તે સમયે તબીબ રામધન હાજર ન હોય તેની પત્ની શીલાએ ગ્લુકોઝની બોટલમાં 7-9 જેટલા ઈન્જેક્શનો આપ્યા હતા. ભટુભાઈની તબિયત વધુ લથડયા બાદ તેનું મોત થયું હતું. તબીબ રામધન યાદવ અગાઉ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેની પત્ની શીલા યાદવે ધો.10 સુધીનો અભ્યાસ કર્યો છે.