અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગુમ છે. ન્યૂઝ એજન્સી AP મુજબ 90 હજાર લોકોને ઈમરજન્સી એક્ઝિટ એલર્ટ (શહેર છોડવાની ચેતવણી) આપવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 50 લોકોની ધરપકડ કરી છે. આ લોકો પર લૂંટફાટ, ફાયર એરિયામાં ડ્રોન ઉડાડવા અને કર્ફ્યુનું ઉલ્લંઘન કરવા જેવા અનેક આરોપો છે.
મંગળવારે પવનની ગતિ અનુમાન કરતાં ઓછી હતી, જેણે આગને કાબૂમાં લેવામાં બચાવ ટીમને ઘણી મદદ કરી હતી. હાલમાં પેલિસેડ્સ અને ઈટન સિવાય આગ લગભગ કાબુમાં છે. આગથી અત્યાર સુધીમાં 12 હજારથી વધુ ઈમારતો નાશ પામી છે, જ્યારે 155 ચોરસ કિલોમીટરનો વિસ્તાર રાખ થઈ ગયો છે.
નેશનલ વેધર સર્વિસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું - અમે હજુ પણ સંપુર્ણ રીતે ખતરાની બહાર નથી. જો કે, મંગળવારે પવનની ગતિ એટલી ન હતી જેટલી આશંકા હતી. બુધવારે સ્થિતિ વધુ સુધરી શકે છે.