ઇઝરાયલ-હમાસ યુદ્ધના 21 દિવસ પૂર્ણ થયા છે. આતંકી સંગઠન હમાસ દ્વારા 7 ઓક્ટોબરે અપહરણ કરાયેલા 222 બંધકોના પરિવારો તેમની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હમાસના એક નિવેદનથી પરિવારના ઘણા સભ્યોની ચિંતા વધારી છે. હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયલની વાયુસેનાના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 50થી વધુ બંધકોના મોત થયાં છે. હમાસના પ્રવક્તાએ ખુલાસો કર્યો છે કે ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટીમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો, જેના કારણે ગાઝામાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
અલ કસમ બ્રિગેડ અંદાજ મુજબ ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા ઝાયોનિસ્ટ કેદીઓની સંખ્યા અંદાજે 50 લોકો સુધી પહોંચી ગઈ છે. આ મુદ્દે ઈઝરાયલના કેટલાક ઈન્ટેલિજન્સ કર્મચારીઓએ કહ્યું છે કે હમાસે 50 બંધકોની હત્યા કરી નાંખી છે અને આ માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવવા માંગે છે. બંધકોના પરિવારજનોનો દેખાવો ઉગ્ર બન્યો છે.
મોસ્કોમાં હમાસનું પ્રતિનિધિમંડળ, કહ્યું- બંધકોની મુક્તિ માટે પહેલા યુદ્ધવિરામ કરો
ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી બાદ અત્યાર સુધીમાં માત્ર બે બંધકોને મુક્ત કર્યા છે. શુક્રવારે હમાસનું પ્રતિનિધિમંડળ રશિયાના મોસ્કો પહોંચ્યું હતું. હમાસ નેતાઓએ કહ્યું છે કે ગાઝામાં યુદ્ધવિરામ નહીં થાય ત્યાં સુધી તેઓ બંધકોને છોડશે નહીં. હમાસના અબુ હમીદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હમાસને એ જાણવા માટે સમયની જરૂર છે કે પેલેસ્ટાઈનના અલગ-અલગ જૂથોએ ક્યાં અને કેટલા બંધકોને રાખ્યા છે. હમાસે કહ્યું છે કે ઘણા લોકોનું અપહરણ થયું છે અને તેમને શોધીને મુક્ત કરવા સમયની જરૂર છે. તેમનું કહેવું છે કે આ કામ કરવા માટે શાંત વાતાવરણ જરૂરી છે. સાથે જ ઇઝરાયલ દ્વારા હમાસના પ્રતિનિધિમંડળને રશિયા આવવાનું આમંત્રણ શરમજનક છે.