રાજકોટ જામનગર રોડ પર શિવસાગર સોસાયટીમાં વેલેન્ટાઈનડે ના દિવસે એક 27 વર્ષીય પરિણીતા હેમાલીબેન અલ્પેશભાઈ વરૂની હત્યા કરાયેલી હાલતમાં તેના જ ઘરમાંથી લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું સેમ આવ્યું હતું જેથી પોલીસે મહિલાના પતિની ફરિયાદ પરથી હત્યા અને લૂંટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજા દિવસે પતિએ હત્યા કરી હોવાની કબૂલાત આપી દીધી હતી. જો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. આ દરમિયાન આરોપી પતિ નહિ પરંતુ તેનો કૌટુંબિક ભત્રીજો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે હત્યારા આરોપી ભત્રીજાની ધરપકડ કરી હતી.
આ અંગે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, ગત 14 ફેબ્રુઆરીના રોજ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં હેમાલીબેન અલ્પેશભાઈ વરૂ (ઉ.વ.27)નું મોત નીપજ્યું હતું. ત્યાર પછી પોલીસે પતિ અલ્પેશભાઈની ફરિયાદ પરથી તપાસ હાથ ધરી હતી. બીજા દિવસે પતિ શંકાના દાયરામાં હોવાથી પૂછપરછ કરવામાં આવતા તેને સામેથી હત્યા કરી દીધી હોવાની કબૂલાત આપી હતી. જો કે આ પછી પણ શંકા રહેતા અન્ય દિશામાં પણ તપાસ કરવામાં આવી હતી. આરોપી પતિ નહીં પણ કૌટુંબિક ભત્રીજો પ્રેમ ભરતભાઈ જેઠવા (ઉ.વ.20) હોવાનું સામે આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી સોનાનો ચેન, સોનાની લક્કી, સોનાનું પેન્ડન્ટ, 2 મોબાઈલ સહીત કુલ 2,17,700 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે