ઈઝરાયલ-હમાસ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પહેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે આપણો દેશ 7 મોરચે યુદ્ધ લડી રહ્યો છે.
નેતન્યાહુએ કહ્યું, "અમે અમારા દેશને હમાસ, ઈરાન, હિઝબુલ્લાહ, પશ્ચિમ કાંઠાના આતંકવાદીઓ, યમનના હુથીઓ અને ઈરાક-સીરિયાના શિયા આતંકવાદીઓના હુમલાઓથી બચાવી રહ્યા છીએ."
તે જ સમયે, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે કહ્યું છે કે ઇરાની હુમલામાં તેમના એરબેઝને પણ નુકસાન થયું નથી. ગાલાંટે રવિવારે નેવાટિમ એરબેઝની મુલાકાત લીધી હતી. ઈરાને 1 ઓક્ટોબરે થયેલા હુમલામાં આ એરબેઝને નિશાન બનાવ્યું હતું.
આ પહેલા શનિવારે રાત્રે લેબનનમાં ઈઝરાયલના હુમલા અને ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે ઈઝરાયેલી સેનાએ બેરૂત એરપોર્ટ નજીક રાતોરાત હવાઈ હુમલા કર્યા હતા. કેટલાક હુમલા એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર અને કેટલાક એરપોર્ટની દિવાલ પર થયા હતા.