પાકિસ્તાન ચૂંટણીમાં ભારે અંધાધૂંધી અને ગેરરીતિ છતાં ઇચ્છિત પરિણામ ન મળતાં સેનાપ્રમુખ આસીમ મુનીર પોતાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના પોલિટિકલ સેલથી ખૂબ જ નારાજ છે. હકીકતમાં આઇએસઆઇની આ જ સેલે ડીજી આઇએસઆઇ લેફ્ટેનન્ટ જનરલ નદીમ અંજુમ અને જનરલ આસીમ મુનીરને આપેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે નવાઝ શરીફની પાર્ટી પીએમએલએનને વધારે સીટો અપાવવા અને જેલમાં રહેલા ઇમરાન ખાનની પાર્ટીને ઓછી સીટ આપવાનું કામ યોગ્ય રીતે ચાલી રહ્યું છે.
જોકે મતગણતરીના દિવસે અડધી રાત્રે આઇએસઆઇને માહિતી મળી કે પરિણામ તેમની યોજના મુજબ આવી રહ્યાં નથી. એ સમય સુધી પીટીઆઇના સમર્થક અપક્ષ ઉમેદવાર અડધાથી વધારે સીટો જીતી ચૂક્યા હતા. હાલમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામોથી પાકિસ્તાની સેનાના પ્રમુખ ખૂબ જ નિરાશ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આઇએસઆઇએ પોતાના 50થી વધારે બ્રિગેડિયર અને કર્નલ રેન્કના અધિકારીઓ પર કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. બીજી બાજુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ જટિલ સ્થિતિનો સામનો કરી રહેલા નવાઝ શરીફે સેના પ્રમુખ મુનીરને સાફ શબ્દોમાં કહી દીધું છે કે આ તેમની ભૂલ છે.