શહેરમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કે કાયદાનો કોઇ ખોફ ન હોય તેમ રોજબરોજ ભયનો માહોલ ફેલાવતા રહે છે. વધુ એક બનાવમાં ત્રણ અસામાજિક તત્ત્વે બળજબરીથી પૈસા પડાવવા વેપારી પર છરી, પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આજી વસાહત, ખોડિયારનગર-3માં રહેતા અને સાબુ, પાઉડરનો વેપાર કરતા સિરાજ તાજમહમદભાઇ ઉર્ફે તાજુભાઇ ચાનિયા નામના વેપારીએ રાજુ ગોવિંદ ચાવડા, પરાક્રમસિંહ ઉર્ફે કાનો, વિજય ઉર્ફે ચકલી સામે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઇજાગ્રસ્ત વેપારીની ફરિયાદ મુજબ, સોમવારે બપોરે ધંધાના કામે ખોડિયારપરામાં કારખાનું ધરાવતા મિત્ર વિપુલભાઇને ત્યાં ગયો હતો. થોડી વાર બાદ મિત્રના કારખાનામાં આ જ વિસ્તારમાં રહેતા રાજુ ચાવડા સહિતના શખ્સો ધસી આવ્યા હતા. અને કંઇ પણ બોલ્યા ચાલ્યા વગર અમારે પૈસાની જરૂર છે, અમને પૈસા આપો. જેથી ત્રણેયને અમારી પાસે પૈસા નથી, અમે નહિ આપીએ. તેમ કહેતાની સાથે જ ત્રણેય શખ્સ ઉશ્કેરાય ગયા હતા. અને રાજુ તેમજ વિજય ઉર્ફે ચકલીએ છરીથી હુમલો કરી બંનેએ બે-બે ઘા ઝીંકી દીધા હતા. જ્યારે પરાક્રમસિંહ ઉર્ફે કાનાએ પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી ભાગી ગયા હતા. બનાવની ભાઇઓને જાણ કર્યા બાદ પોતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પીએસઆઇ એચ.ટી.જિંજાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.