શહેરમાં રૈયારોડ પરના રામેશ્વર ચોક પાસે પગપાળા જતા વૃદ્ધાને ધક્કો મારી પછાડી દઇ તેના ગળામાંથી રૂ.2.33 લાખની કિંમતનો સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયાની ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત ચાર મહિલાને સકંજામાં લઇ પૂછતાછ કરી હતી. રૈયારોડ પર ટીનીટ્રી ટાવરમાં રહેતા જયલક્ષ્મીબેન કાનગડ (ઉ.વ.70)અે ફરિયાદ કરી હતી જેમાં તે તેના પુત્ર સાથે રહેતા હોવાનું અને ગુરૂવારે સવારે તેના ઘર નજીક મહાદેવના મંદિરે દર્શન કરી પગપાળા ઘેર જતા હતા ત્યારે અજાણી મહિલાઓ ધસી આવી વાત કરી ધક્કો મારી પછાડી દઇ તેના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી જતા દેકારો કરતા લોકો એકઠા થઇ ગયા હતા અને બાઇક લઇ કેટલાકે પીછો કરી સગીર સહિતની મહિલાઓને પકડી પોલીસ હવાલે કર્યા હતા. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ઝાલા સહિતે તેની અટકાયત કરી પૂછતાછ કરતા તે ભારતી કાના વાજલિયા, કાજલ સાગર સોલંકી એક સગીર સહિતે ચીલઝડપ કર્યાનું બહાર આવતા પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.