પાટણ શહેરમાં હાઇવે પર બ્રિજ પર એકટીવા લઈ પસાર થઈ રહેલાં બિલ્ડરના પુત્રનું પતંગની ઘાતક દોરીએ ગળું ચીરી નાંખતા શ્વાસ નળી સુધી જીવલેણ ઇજાઓ પહોંચતા યુવક લોહી લુહાણ થઈ ગયો હતો. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરી ઓપરેશન કરવું પડ્યું હતું. ગળાના અંદર અને બહાર બંને ભાગમાં અંદાજે 200 જેટલા ટાંકા લેવા પડ્યા છે.હાલમાં તેને વેન્ટિલેટર પર રાખી સારવાર આપવામાં આવી રહી છે.
પાટણ શહેરનાં બિલ્ડર પ્રવીણભાઈ કે પટેલ ના 27 વર્ષય પુત્ર યુજલ પટેલ 12 જાન્યુઆરી ને રવિવારે સાંજે 6:00 ના અરસામાં એકટીવા લઈ હાઇવે પર અમથીબા હોસ્પિટલ થઈને બ્રિજ ઉપર ચડતાં 50 થી 100 મીટર આગળ પસાર થતાંની સાથે પતંગની ઘાતક દોરીનો ગળાના ભાગે ઘસરકો થતાં જ ગળુ ચિરાઈ ગયું હતું.
યુજલ લોહી લુહાણ થઈ જતાં હાલત ગંભીર બની ગઈ હતી.તેને તાત્કાલિક સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આઈસીયુમાં તાત્કાલિક ડોક્ટરો મારફતે સર્જરી શરૂ કરવામાં આવી હતી.સાંજે 7:30 થી 10:30 સુધી સતત ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું હતું. ગળાના ભાગે 200 જેટલા ટાંકા લેવા પડ્યા છે. છેલ્લા ચાર દિવસ થી યુવક ને આઈ.સી.યુ માં સારવાર આપવામાં આવી રહી છે.