નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વાર વડા પ્રધાન પદના સોગંદ લેશે. સાથી પક્ષોના નેતાઓ પણ મંત્રી પદના સોગંદ લેશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે સોગંદવિધિ 9 જૂને થશે. આ માટે પડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને તારીખ સાથેનું ઔપચારિક આમંત્રણ પત્ર મોકલી દેવાયું છે. 2 દિવસ મંત્રાલયોની વહેંચણી અંગે મંથન થશે. બે મહત્ત્વના પક્ષો ટીડીપી અને જદયુમાં સમન્વયની જવાબદારી પીયૂષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવને સોંપાઈ છે.
સૂત્રોના કહેવા પ્રમાણે ટીડીપી અને જદયુની 10 મંત્રાલય પર નજર છે, તેમાં ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ, રાજમાર્ગ, વાણિજ્ય, રેલવે, કૃષિ, પેટ્રોલિયમ, પાવર વગેરે સમાવિષ્ટ છે. બંનેએ કહ્યું કે અગાઉ પણ સાથી પક્ષોને ગૃહ, સંરક્ષણ અને નાણા જેવાં મંત્રાલયો ફાળવાયાં છે. ભાજપે સ્વીકાર કરવા સાથે આ મંત્રાલયોને અનુરૂપ કદાવર નેતાને જવાબદારી લેવાની હોય છે, તેવો તર્ક રાખ્યો છે. જો ચન્દ્રાબાબુ કે નીતિશ મુખ્યમંત્રી બનવાને બદલે આ મંત્રાલયોની જવાબદારી લેવા ઇચ્છે તો વિચાર કરી શકાય તેમ છે. તેમના પક્ષના કોટામાંથી અન્ય કોઈ સાસંદને આ જવાબદારી આપવી એ હોદ્દાની ગરીમાને યોગ્ય નહીં રહે. આ અંગે પક્ષના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ અહીં મેરેથોન બેઠક યોજાઈ હતી. તેમાં અમિત સાહ અને રાજનાથ સિંહ પણ હતા.