રાજકોટની સિવિલ હોસ્પિટલ નજીક બનેલી ઝનાના એટલે કે MCH હોસ્પિટલનું રવિવારે વડાપ્રધાન મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોમવારથી જ હોસ્પિટલની કામગીરી ફૂલ ફ્લેજમાં શરૂ કરવામાં આવી છે. ગઈકાલે પ્રથમ દિવસે જ લગભગ 600 જેટલા દર્દીઓએ અહીં આપવામાં આવતી સેવાઓનો લાભ લીધો હતો. એટલું જ નહીં બપોરે 4 વાગ્યા આસપાસ નોર્મલ ડિલિવરી થકી એક બાળકનો જન્મ પણ થયો હતો. હાલ હોસ્પિટલમાં 95% કામગીરી શરૂ થઈ ચૂકી હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું. આ હોસ્પિટલ શરૂ થતાં લોકોને મેટરનીટી અને પીડિયાટ્રિક સારવાર માટે મસમોટો ખર્ચ કરવામાંથી મુક્તિ મળી છે.
સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીનાં જણાવ્યા મુજબ માત્ર રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્રભરની પ્રજાને MCH હોસ્પિટલરૂપી એક નવી સુવિધા પ્રાપ્ત થઇ છે. સૌરાષ્ટ્રની આ સૌથી મોટી હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કર્યાના બીજા જ દિવસે હોસ્પિટલને કાર્યરત કરવી એ કદાચ રાજ્યના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે. કારણ કે ઘણી વખત સુવિધાઓનું લોકાર્પણ થઇ જતું હોય છે. પણ સુવિધાની ગાડી પાટે ચડાવવા ખાસ્સો સમય લાગતો હોય છે. જોકે પીડીયુની ટીમની કાબિલેદાદ ફરજ, નિષ્ઠાથી ઝનાના હોસ્પિટલ ધમધમતી થઇ ગઇ છે.