Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુરતની શાળામાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ઘટના બાદ શિક્ષણ નિયામકે પરિપત્ર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, બાળકોને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપનાર શાળાને પ્રથમવાર 10 હજાર બાદમાં 25 હજાર દંડ થશે. શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના પરિપત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં આવેલી તમામ એટલે કે સરકારી, જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી, અનુદાનિત અને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા, સી.બી.એસ.ઈ, આઇ.સી.એસ.ઈ. કે કોઇપણ બોર્ડ સાથે સંકળાયેલ કોઇપણ માધ્યમની શાળાઓના બાળકને શાળાના શિક્ષક અથવા આચાર્ય-સંચાલક કોઇપણ કારણે શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. જેનો તમામ સંબંધિતોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે, ઉલ્લંઘન થતું માલૂમ પડશે, રજૂઆત કે ફરીયાદ મળશે અને તથ્ય જણાશે તો તે વ્યક્તિ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

બાળકનો શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવા બદલ શાળાઓને પ્રથમ વખતે 10 હજાર અને તે પછી દરેક અનિયમિતતા દીઠ 25 હજાર રૂપિયા દંડ લેવાશે. અંતિમ પગલા તરીકે શાળા નિર્દેશ કરેલ અનિયમિયતાઓ પાંચ વખત કરે તો શાળા સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરાશે. જે તે શિક્ષક સામે પણ શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે.