શહેરની ભાગોળે ખોખડદળ નજીક ગોરધન હોટેલ પાસે નવી બની રહેલી બિલ્ડિંગની સાઇટ પર કામ કરતાં પરપ્રાંતીય દંપતી પર હુમલો કરી તેની સગીરવયની પુત્રીને એમ. પી. નો સોહન સહિત છ શખ્સ ઉઠાવી ગયા હતા, પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લઇ અપહૃત સગીરાને મુક્ત કરાવી હતી. સોહન સગીરાને એકતરફી પ્રેમ કરતો હતો અને તેને ઉઠાવી જવા એમ.પી.ના તેના પાંચ મિત્રને બોલાવી અપહરણ કર્યું હતું.
એમ.પી.નો વતની ભીલજી પાંચ મહિના પૂર્વે તેની પત્ની અને બાળકો સહિત રાજકોટ આવ્યો હતો અને ગોરધન હોટેલ પાસે નવી બની રહેલી બિલ્ડિંગમાં કડિયાકામ કરતો હતો, રવિવારે રાત્રે ભીલજી અને તેના પરિવારજનો સુતા હતા ત્યારે એમ.પી.નો વતની સોહન વેલસીંગ પવાર અને અન્ય પાંચ શખ્સ બાઇકમાં આવ્યા હતા અને ભીલજી તથા તેની પત્ની પર હુમલો કરી તેની 16 વર્ષની પુત્રીને બાઇકમાં ઉઠાવી ગયા હતા. સગીરાના અપહરણની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ હરકતમાં આવી હતી.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય. બી. જાડેજા સહિતની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી સોહન તથા તેના સાગરીતો એમ.પી.ના કમલેશ અંગરૂ ભૂરિયા, કૈલાસ નીમસીંગ અમલિયાર, કમલ કેશુ અજનારિયા, રાજુ પ્યારસીંગ ભૂરિયા તથા છોટુ અમલિયારને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી.
પોલીસ પૂછપરછમાં સોહને કબૂલાત આપી હતી કે, તે ગોરધન હોટેલ પાસે ઉપરોક્ત સાઇટ પર પાણીના ટેન્કરના ફેરા કરતો હતો, ભીલજીની સ્વરૂપવાન પુત્રી તેને પસંદ પડતા તે તેને પ્રેમ કરવા લાગ્યો હતો, ભીલજી તેની પુત્રી તેને નહીં સોંપે તેવું લાગતા સગીરાને ઉઠાવવાનો પ્લાન ઘડ્યો હતો અને એમ.પી.માં રહેતા તેના મિત્રોને ફોનથી જાણ કરી હતી કે લાડી (છોકરી) ઉપાડવાની છે, સાગરીતો મધ્ય પ્રદેશથી આવતા કાવતરાને અંજામ આપ્યો હતો.