રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની 850 સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી તા.4થી 23 એપ્રિલ દરમિયાન ધો.3થી 8ના 68,855 વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે. જ્યારે બાલવાટિકાથી ધો.2 સુધીમાં અભ્યાસ કરતા બાળકોનું ઔપચારિક મૂલ્યાંકન કરાશે.
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગની સૂચના મુજબ ધો.3થી 5ની પરીક્ષા આગામી તા.4થી 9 એપ્રિલ દરમિયાન લેવાશે અને ધો.6થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તા.13થી 22 એપ્રિલ દરમિયાન લેવાશે. ધો.3થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સવારે 8થી 10 વાગ્યાનો રહેશે અને ધો.6થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સવારે 8થી 11 વાગ્યાનો રહેશે.
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હસ્તક કુલ 850 શાળા છે અને તેમાં કુલ 1,22,602 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી ધો.3થી 8ના 68,855 વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે. જ્યારે બાલવાટિકા થી ધો.2 સુધીમાં અભ્યાસ કરતા 53,747 બાળકોનું તા.1થી 4 એપ્રિલ દરમિયાન ઔપચારિક મૂલ્યાંકન કરાશે.