અમેરિકામાં તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં ડેમોક્રેટિક પાર્ટીના 48% સમર્થકોએ કહ્યું છે કે જો 81 વર્ષીય જો બાઈડેન નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી ખસી જાય છે તો તેમની જગ્યાએ ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને ઉમેદવાર બનાવવામાં આવે.
'રાસમુસેન પોલ્સ' રાજકીય રીતે વિશ્વસનીય માનવામાં આવે છે. જોકે, આ જ પોલમાં કેટલાક ડેમોક્રેટ સમર્થકો એવા પણ છે જેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટનને પણ ટેકો આપી રહ્યા છે.
બાઈડેનની શારીરિક અને માનસિક તંદુરસ્તીને લઈને ડેમોક્રેટિક પાર્ટીમાં પ્રશ્નાર્થ ચિન્હો છે. ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકો ખાસ કરીને તેમની યાદશક્તિ વિશે પ્રશ્નો ઉભા કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ વર્ષ પહેલા આની શરૂઆત કરી હતી.
તાજેતરના સર્વે અનુસાર, 48% ડેમોક્રેટ સમર્થકો માને છે કે બાઈડેનને બદલવાની જરૂર છે અને આ માટે મિશેલ ઓબામા શ્રેષ્ઠ પસંદગી છે. 33% લોકો માને છે કે આની ચૂંટણી પરિણામોને અસર કરી શકે છે. કમલા હેરિસ, હિલેરી ક્લિન્ટન અને કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમના નામ પણ આ રેસમાં છે. જો કે, મિશેલનો દાવો સૌથી દમદાર લાગે છે.
કમલા હેરિસને 15% વોટ મળ્યા. જ્યારે, હિલેરી ક્લિન્ટન 12% મતો સાથે ત્રીજા સ્થાને છે.