રાજકોટમાં હવામાન ખાતા દ્વારા તારીખ 1 અને 2 માર્ચના રોજ માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસીઓ પલળી ન જાય તે માટે યાર્ડના સેક્રેટરી દ્વારા તમામ જણસીઓને ઢાંકીને સલામત રાખવા માટે ખેડૂતો અને વેપારીઓ તેમજ દલાલ ભાઈઓને સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સવારે અથવા સાંજે કપાસ, મગફળી સહિતની 40 કેટલી જણસીઓની આવક થાય છે. ત્યારે માવઠાને કારણે ખેત પેદાશો પલળી ન જાય તે માટેની સૂચનાઓ આપવામાં આવી છે.
માવઠાની આગાહીને પગલે પરિપત્ર જાહેર
રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી બી.આર. તેજાણીએ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, માર્કેટ યાર્ડમાં કામકાજ કરતાં વેપારી, દલાલ ભાઈઓ તેમજ ખેતપેદાશ વેચાણ અર્થે બહારગામથી આવતા ખેડૂતભાઈઓએ તા.1થી 2 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ (માવઠા)ની હવામાન ખાતાની આગાહી ધ્યાને લઈ કોઈપણ ખેત પેદાશ માર્કેટ યાર્ડમાં ખુલ્લા મેદાનમાં કે વરસાદને કારણે પલળી જાય તેમ ઉતારવી નહિ. તેમજ અગાઉ ઉતારેલ જણસીઓને ઢાંકીને સલામત રાખવી. જેથી માવઠું આવે તો જણસી ન પલળે.
વાહનોમાં આવતી ખેત પેદાશો ઢાંકીને રાખવા સૂચના
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ 40 જેટલી જણસી આવે છે. જેમાં કપાસ, મગફળી, રાય, રાયડો, વટાણા, ગુવાર, ઘઉં, વાલ સહિતની જણસીની આવક થાય છે. ત્યારે પ્લેટફોર્મમાં જ તમામ ખેતપેદાશો ઉતારવાની રહેશે. પ્લેટફોર્મમાં જગ્યા ન હોય તો જે તે દલાલની દુકાને સલામત રીતે ખેત પેદાશ ઉતારવાની રહેશે. તેમજ વાહનોમાં આવતી ખેતપેદાશો, માલ સલામત રીતે ઢાંકીને ક્રમવાર વાહનો ઉભા રાખવા ખાસ નોંધ લેશો. ઉપરોક્ત સૂચનાનું સલામતીના કારણોસર અચૂક પાલન કરવાનું રહેશે.