શાપરના પડવલામાં રહેતી 14 વર્ષની પરપ્રાંતીય તરુણી પર 17 વર્ષના પરપ્રાંતીયે દુષ્કર્મ આચર્યું હતું. સગીરે આચરેલા દુષ્કર્મથી તરુણી કુંવારી માતા બની હતી. તરુણીએ બાળકીને જન્મ આપ્યો હતો. તે બાળકીની હાલત ગંભીર હોવાનું તબીબોએ કહ્યું હતું. પડવલામાં રહેતા ઉત્તર પ્રદેશના વતની પરિવારની 14 વર્ષની પુત્રીને પેટમાં દુખાવો ઉપડતાં પરિવારજનો તેને રાજકોટ હોસ્પિટલે લઇ આવ્યા હતા. તરુણી સગર્ભા હોવાનું અને તેના પેટમાં આઠ માસનો ગર્ભ હોવાનું તબીબી નિદાનમાં ખુલ્યું હતું. તરુણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો.
તરુણી માતા બન્યા અંગેની જાણ કરાતા શાપર પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે.ગોહિલ સહિતની ટીમ હોસ્પિટલે દોડી આવી હતી અને તરુણી તથા તેના પરિવારજનોની પૂછપરછ કરતાં તરુણી પર પાડોશમાં રહેતા બિહારના વતની 17 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બિહારનો વતની 17 વર્ષનો સગીર પડવલામાં એકલો રહે છે તેના માતા-પિતા બિહારમાં રહે છે. 17 વર્ષનો સગીર પડવલામાં રહી ફેક્ટરીમાં કામ કરે છે. સગીરે પાડોશમાં રહેતા યુપીના વતની પરિવારની 14 વર્ષની પુત્રી પર નજર બગાડી હતી અને તેણે તરુણીને પોતાની જાળમાં ફસાવી અનેક વખત તેની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા.